અરબી સમુદ્રમાં આ તારીખે સક્રિય થશે ઘાતક વાવાઝોડું, ગુજરાતને કેટલું અસર કરશે? ક્યાં ત્રાટકશે? અંબાલાલ પટેલે કરી હાઈ ટેન્શન આગાહી…
ચોમાસાએ દેશના મોટાભાગના રાજ્યોમાંથી વિદાઈ લઈ લીધી છે, ત્યારે ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાઈ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા, મેઘાલય, આસામ, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ચોમાસું જતાં-જતાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. સાથે જ વાવાઝોડાની આગાહી અંગે તેમણે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ થશે અને 14 થી 19/20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું બનવાની પણ શક્યતા છે.
વાવાઝોડાની દિશા અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના કારણે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે. સાથે જ જે વિસ્તારોમાં વરસાદની જરૂર છે, એવા ભાગો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો થવાની શક્યતા રહેલી છે.
બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના કારણે 16 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ તેમણે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થઈ શકે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે.