નવા વર્ષે વાતાવરણ કેવું રહેશે? શું વાવાઝોડું, માવઠું, ઠંડી કે તડકો પડશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી નવી નકોર આગાહી…
ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મોટાભાગના ગુજરાતીઓ આ તહેવારોની રજામાં ફરવા જતા હોય છે. ત્યારે ભાઇબીજ સુધીના તહેવાર સુધી ગુજરાતના હવામાનનો મૂડ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઇએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રનાં ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, આજથી સાત દિવસ ગુજરાતનું તાપમાન યથાવત રહેશે. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 2010થી 2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી નોંધાયું હતું. જે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે ઓક્ટોબર માસમાં લઘુતમ તાપમાન વધુ નોંધાયું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ તાપમાન એવરેજ કરતાં 4 ડિગ્રી ઊંચું નોંધાઇ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં 34થી 36 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ આ ઊંચા તાપમાનમાંથી કોઇ રાહત મળે તેવી શક્યતાઓ નથી. 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં કોઇ રાહત મળે તેવી કોઇ શક્યતાઓ નથી. હાલ પવનની ગતિ સામાન્ય છે અને તેમાં હાલ કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. પવનની દિશાઓ બદલાતી રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બરના પ્રારંભિક સમયમાં 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે. જેને કારણે લોકો માટે ગરમ કપડાંનો ઉપયોગ શરૂ કરવાની જરૂર પડશે.