ગામના પાદરે બોર્ડ મારી દેજો, ગુજરાતના આ ભાગોમાં વાવાઝોડું મચાવશે તબાહી, પરેશ ગોસ્વામીએ કરી વૃક્ષો ઉખાડે એવી આગાહી…
પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત અસનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગોસ્વામીએ જણાવ્યું કે, છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડીપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમારી આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે.
તેમણે ઉમેર્યું કે, “જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વધુમાં, આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે.”
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. જોકે, ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે, પરંતુ પવનની ગતિ વધશે.
ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે, “પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના રહેવાસીઓએ આગામી 24થી 36 કલાક સુધી સાવધાન રહેવું જોઈએ.”
રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂર પડે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.