ચોમાસું રાતા પાણીએ રડાવશે, હવે ગુજરાતમાં ચોમાસુ આટલા દિવસ મોડું આવશે, પરેશ ગોસ્વામીએ કરી ભયાનક આગાહી…
આ વર્ષે દેશમાં નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું હતુ. જે બાદ તેની ગતિને જોતા ગુજરાતમાં પણ 1 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવું લાગી રહ્યું હતુ. જો કે મહારાષ્ટ્ર નજીક મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતા વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે અને રાજ્યના અલગ-અલગ ભાગોમાં અસહ્ય બફારા વચ્ચે છૂટાછવાટા ભાગોમાં ઝાપટા પડી રહ્યાં છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું આગળ વધતું અટકી ગયું છે. હાલ મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે અને બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી. જેના કારણે હમણાં ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ નથી. આથી જ ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી. જો કે આગામી 18 થી 22 જૂન સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી શકે છે.
અત્યારે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં પ્રી-મોન્સૂન ઍક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. આગામી 10 થી 12 જૂન દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે. જેના પરિણામે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 5 દિવસ સુધી ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો ઘટી જશે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લા જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ઝાપટા પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં હવામાન ખુલ્લુ જોવા મળી શકે છે.