આનંદો… આ તારીખોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે સાર્વત્રિક વરસાદનો પહેલો રાઉન્ડ, અશોક પટેલની નવી મોટી આગાહી…

લાંબા વખતથી ભીષણ ગરમી અને આકરા તાપમાનનો માર સહન કરી રહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છને હવે આવતા અઠવાડિયામાં રાહત મળવાના સંકેત હોય તેમ આવતા સપ્તાહમાં વરસાદનો સાર્વત્રિક સારો રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. કેટલાક વિસ્તારોમાં એક કે તેથી વધુ પણ વરસાદી રાઉન્ડ આવી શકે છે.

તેમણે આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસાના આગળ વધવાના અને વરસાદ વરસવાના પરિબળો સર્જાવા લાગ્યા છે. તા.23થી 30 જુન સુધીની આગાહી દરમ્યાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સર્જાનારુ બહોળુ સરક્યુલેશન ગુજરાત સુધી લંબાવવાની સંભાવના છે.

આ સિવાય અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાશે અને તેનો ટ્રફ ગુજરાત પરથી પસાર થશે આ સિવાય ક્યારેક ઇસ્ટ-વેસ્ટ શીયરઝોન પણ સર્જાશે જે મુંબઇ લેવલ પર સક્રિય થશે. દેશના પશ્ચિમ કિનારા પર ઓફ સોર ટ્રફ સર્જાવાની પણ શક્યતા છે. આ કારણોસર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં વરસાદના સંજોગો ઉભા થવાની ઉજળી સંભાવના છે.

તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના અમુક ભાગોમાં આગાહીના સમયગાળા દરમ્યાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદ થઇ શકે છે. અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ થશે જ્યારે છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરરોજ અમુક સમયે પવનનું પણ જોર રહેવાની સંભાવના છે.

તેઓએ જણાવ્યું કે 22મી જુન સુધીમાં રાજ્યમાં 169 તાલુકાઓમાં સામાન્યથી માંડીને મધ્યમ ભારે વરસાદ થયો છે 142 તાલુકામાં 1 મીમી થી 50 મીમી, 22 તાલુકામાં 51 મીમી થી 125 મીમી અને પાંચ તાલુકામાં 125 મીમી થી વધુ વરસાદ નોંધાયો છે.

ઝોન વાઇસ આંકડા ચકાસવામાં આવે તો કચ્છમાં સરેરાશ 5 મીમી, સૌરાષ્ટ્રમાં 20 મીમી, ઉત્તર ગુજરાતમાં 3 મીમી, મધ્ય ગુજરાતમાં 12 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં 45 મીમી વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *