આનંદો! સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર, ભયજનક સપાટીથી ફક્ત આટલા મીટર દૂર, ઓવરફ્લો થવાની અંબાલાલની આગાહી…
ચોમાસાની શરૂઆતથી જ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. તો કેટલાક જળાશયો ઓવરફ્લો પણ થયા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમની સપાટી આ વર્ષે પહેલીવાર 131 મીટરને પાર પહોંચી છે. નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ ડેમની સપાટી 131.00 મીટરએ પહોંચી છે.
નર્મદા નદીના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નર્મદા પરના ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હજુ પણ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાં આવેલ બર્ગી ડેમના એક સાથે 17 ગેટ 2.17 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેને કારણે હાલ સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ લગાવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા અંબાકાકાએ વ્યક્ત કરી છે. ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ જ ખુશીના અને સારા સમાચાર ગણી શકાય છે.
સરદાર સરોવર ડેમની હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં નર્મદા ડેમ 85%થી વધુ ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 131.00 મીટરએ પહોંચી છે. ડેમમાં સતત 71,220 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમ ભયજનક સપાટીથી 7.68 મીટર દૂર છે.
મધ્યપ્રદેશના બર્ગી ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે સરદાર સરોવર ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. અને સતત જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેને કારણે હાલ નિચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.