પરેશ ગોસ્વામીએ કર્યું ચોમાસાનું પોસ્ટમોર્ટમ, જાણો વર્ષ 2023નું ચોમાસુ કેવુ રહ્યું?? હવે આગળ શું થશે? વરસાદની આગાહી…
ગુજરાતમાં હવે ચોમાસુ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાંથી હવે ચોમાસું વિદાય લઈ શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું અનુમાન અગાઉ પણ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે પરેશભાઈ દ્વારા વર્ષ 2023ના સંપૂર્ણ ચોમાસાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, અને તેમણે જણાવ્યું કે આ વર્ષનું ચોમાસુ કેવું રહ્યું. આ લેખમાં તેની વિગતવાર માહિતી અમે તમને જણાવીશું.
પરેશ ગોસ્વામીએ ચોમાસાની શરૂઆતમાં કરેલ વાર્ષિક કાર્યક્રમ મુજબ તેમણે આગાહી કરતા જણાવ્યું હતું કે આ વર્ષે બે રાઉન્ડમાં વાવણી થશે, એ મુજબ આ વર્ષે બે રાઉન્ડમાં વાવણી થઈ છે. ત્યાર બાદ જુલાઈ મહિનામાં અતિ ભારે વરસાદ, કૂવા ડેમ છલકાઇ જાય અને ભારેથી અતિ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સર્જાય તેવું અનુમાન આપવામાં આવ્યું હતું રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ આગાહી પણ સાચી પડી છે.
ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં પણ તેમણે ગુજરાતના ખેડૂતોને પાકને પિયત આપવાની આગાહી વ્યક્ત કરી હતી. તે આગાહી પણ સાચી પડી છે. આ વર્ષે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પણ તેમણે વરસાદના બે રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી હતી. આ આગાહી મોટાભાગે સાચી પડી છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના હજુ 20 થી 25 ટકા જેટલા વિસ્તારોમાં સારા વરસાદનો લાભ મળ્યો નથી. કચ્છના કેટલાક ભાગો, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રાઉન્ડમાં સારા વરસાદને કારણે કૂવા અને ડેમ છલકાયા છે. પરંતુ હજુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અછત જોવા મળી રહી છે.
એકંદરે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં આ વર્ષે ચોમાસું માધ્યમથી નબળું જોવા મળ્યું છે. ઉનાળા દરમિયાન પાણીની અછત દેખાઈ શકે છે. સાથે સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી અને ભાવનગરના છૂટા છવાયા વિસ્તારોમાં પણ ચોમાસું માધ્યમથી નબળું રહ્યું છે. અંતમાં એવું પણ કહ્યું છે કે ઓક્ટોબરની 3 થી 7 તારીખ સુધીમાં આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.