ચોમાસુ રાતાં પાણીએ રડાવશે, ગુજરાતનો આ ભાગ રહેશે કોરો ધાકોર, અંબાલાલ પટેલે કરી શ્વાસ અધ્ધર કરે એવી આગાહી…
ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડ્યું હતું. જેના કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ફક્ત ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં અંબાલાલે ફરી ગુજરાતના આ ભાગમાં ચોમાસુ નબળું રહેવાની આગાહી આપી છે.
આજે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેના કારણે આજથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. પરંતુ ચોમાસુ અડધા ગુજરાતે પહોંચતાં ફરી નબળું પડશે, આ વર્ષે ઉત્તર ગુજરાતના અમુક ભગો અને કચ્છના ભાગોમાં ચોમાસુ નબળું રહેશે તો કેટલોક ભાગ કોરો રહી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવનઃ અંબાલાલ
બંગાળના ઉપસાગરના શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા છે. આ સાથે આજથી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. આ વિસ્તારોમાં 40 કિમીની ગતિએ પવન ફૂંકાશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વરસાદની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, આજથી નડિયાદ, આણંદ, અમદાવાદ, વડોદરા પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
28 જૂન સુધીમાં પડશે સારો વરસાદઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આજથી ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. ખેડૂતોને સલાહ આપતા તેઓએ કહ્યું કે, ખેડૂતો માટે હજી મોડું થયું નથી. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલું થશે, આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે. મૃગશીશ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી.