બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં આવું રહેશે ચોમાસું, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ખાસ વાંચે…
દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ 8 જુને કેરલમાં ચોમાસાની શાનદાર શરૂઆત જોવા મળી છે. હવે કેરલથી ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગોવાની સરહદે પહોંચ્યું છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં બીપોર જોય નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. આ વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ હવે ગુજરાતમાં ક્યારે ચોમાસાની શરૂઆત થઈ થશે તેને લઈને સૌ કોઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ચોમાસાં જેવો માહોલ થયો છે પરંતુ હાલ સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાની જાહેરાત કરવામાં આવી નથી. આ વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ચોમાસું કંઈક આવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલે મોટું નિવેદન આપ્યું છે.
અંબાલાલ પટેલે ચોમાસા વિશે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 17થી 22 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ વર્ષે ચક્રવાત અને ચોમાસાનો વરસાદ બંને ભેગા થઈ શકે છે. તો આ સાથે જ તેમણે ચોમાસાના શરૂઆતના બે નક્ષત્ર મૃગ શીર્ષ અને આદ્રા નક્ષત્ર વચ્ચે આઠ દિવસ વરસાદનો એક છાંટો પણ નહીં પડે તેને લઈને ચોંકાવનારી આગાહી કરી છે.
મૃગ શીર્ષ નક્ષત્રમાં જો વરસાદ થાય તો વર્ષ દરમિયાન જીવજંતુનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ઉત્પન્ન થયેલ બીપોર જોય વાવાઝોડાને કારણે શરૂઆતમાં વરસાદની અછત થઈ શકે છે.
અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને વધુમાં જણાવતા કહ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં જ વાવાઝોડાની ઘાતક અસરને કારણે આ વર્ષે ચોમાસુ મધ્યમથી નબળું રહી શકે છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવાઝોડાનું સક્રિય થવું એ વર્ષ માટે સારા સંકેત ગણી શકાય નહીં. આ વર્ષે ગુજરાતમાં વાવાઝોડા બાદ 15 દિવસે ચોમાસુ બેસી શકે છે.