શું ગુજરાતમાંથી ચોમાસાંએ વિદાઈ લીધી? ફરી ક્યારે સિસ્ટમ સક્રિય થશે? કેટલો વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી…
બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં પડેલા તોફાની વરસાદ બાદ ચોમાસાની પણ એન્ટ્રી થઈ ગઈ હતી, આમ રાજ્યમાં સતત પડેલા વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા હતા, જોકે, હવે ભર ચોમાસે વરસાદ ખેંચાવાની સ્થિતિના કારણે સૌ કોઈ ચિંતિત છે. હવામાન વિભાગે પણ હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના ન હોવાનું જણાવી દીધું છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની આગાહી સાથે કેટલીક શક્યતાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરી છે.
રાજ્યમાં મેઘરાજા તો હાથ તાડી આપીને જતા રહે છે. વરસાદી માહોલ હોય છે. કાળા ડિબાંગ વાદળો બને છે. જાણે ધોધમાર વરસાદ આવશે તેવુ વાતાવરણ બન્યા બાદ પણ છેલ્લા 25 દિવસમાં વરસાદ આવતો નથી. ખેડુતો રાહ જોઈને બેઠા છે. કૃષિ પાકને હાલ પાણીની જરૂર છે પરંતુ વરસાદ આવતો નથી. ઓગસ્ટમાં વરસાદ ખેચાવવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે. જોકે જુલાઈમાં સારો વરસાદ થયો તેના કારણે કૂવા સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. જેથી પાકને સિંચાઈ કરી શકાય છે. પરંતુ આગાહીઓને જોતા લાગે છે કે ઓગસ્ટતો કોરો ધાકોર જશે. હાલ રાજ્યમાં ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ નથી. આવામાં ઓગસ્ટમાં સિસ્ટમો બની પરંતુ તે ગુજરાત તરફ આવી નહીં.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યુ છે કે, 28થી 31 ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાત રાજ્યના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ થઈ શકે છે. ચીનની દક્ષિણમાં અને ભારતથી પૂર્વમાં આવેલા હોંગકોંગ પાસે વાવાઝોડુ બન્યુ છે. તેના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ વાવાઝોડા તરફ ખેચાય જાય છે.
અંબાલાલ પટેલે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, 28 ઓગસ્ટ સુધીમાં વાદળનો સમુહ ઘટશે અને ગરમીનું પ્રમાણ વધશે. હિંદ મહાસાગરનુ હવામાન સાનુકૂળ હોવા છતા વરસાદ નહી થવાનું મુખ્ય કારણ ભુ મધ્ય મહાસાગર પર એટમોપેરિક વેવ સાનુકૂળ નથી. હિંદ મહાસાગરમાં હવામાન સાનુકૂળ છે. હાલ કોઈ વરસાદ આપનારી એક્ટિવ સિસ્ટમ બનવાની શક્યતાઓ નથી જેના કારણે વરસાદની સંભાવનાઓ ઓછી છે.
આ ઉપરાત પેસેફિક મહાસાગરમાં જળવાયુ ગરમ છે. અલનીનોની અસર બનેલી છે. જેથી ઉતર ઓસ્ટેલિયા તરફથી આફ્રિકા તરફ આવતા ભેજવાળા પવનોની ગતિવિધિ બરાબર નથી. જેના કારણે વરસાદ આવતો નથી. હોંગકોંગ નજીક બનેલા વાવાઝોડાની ગતિવિધિ મંદ પડ્યા બાદ 31 ઓગસ્ટથી સપ્ટેમ્બર શરુઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વેલ માર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરની ગતિવિધી તેજ થશે.
14 સપ્ટેમ્બર આસપાસ પણ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અને બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. આ અરસામાં ચોમાસુ સક્રિય થય શકે છે. હાલની પરિસ્થિતિ જોતા તો ઝાપટા પડશે. ગરમી વધશે અને જેના કારણે સિસ્ટમ બનશે. વરસાદ આવવાની શક્યતા કહી શકાય પરંતુ સિસ્ટમ કેટલી મજબુત બને છે તેના પરથી વરસાદની ગતિવિધિ નક્કી થઈ શકે છે.