કેરળમાં ચોમાસાનું આગમન, વાવાઝોડાના માર્ગ અને ચોમાસાને લઈને અશોકભાઈ પટેલે કરી મહત્વની આગાહી…

દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સૌપ્રથમ કેરલમાં આજથી ચોમાસાનો શુભારંભ થયો છે. દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસુ કેરળમાં સાત દિવસ મોડું બેઠું છે. દર વર્ષે 1 જૂને કેરળમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વખતે 9 જૂને કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થતા 70% વિસ્તારમાં સારો વરસાદ થયો છે. વાવાઝોડાના માર્ગ અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલ અરબી સમુદ્રમાં બીપોર જોય નામનું એક તીવ્ર વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાના માર્ગને લઈને અશોકભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે કે આ વાવાઝોડું અતિ તીવ્ર બનશે અને ઉત્તર તરફ ગતિ કરશે. આગામી ત્રણ દિવસ બાદ આ વાવાઝોડાની દિશા કંઈ હશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી. વાવાઝોડાના માર્ગને લઈને અસમંજસભરી સ્થિતિ હોવાનું અનુમાન હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે લગાવ્યું છે.

અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રનું આ વાવાઝોડુ બીપોર જોય જે હાલ મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં તબાહી મચાવી રહ્યું છે. જેનું લોકેશન 14.2 નોર્થ, 66 ઇસ્ટ છે જે વેરાવળથી 70 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે આવેલ છે અને પોરબંદર થી 900 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમે પહોંચ્યું છે. આ દરમિયાન હાલ પવનની ઝડપ 135 થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. જ્યારે ઝટકા પવનની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે.

સક્રિય થયેલ આ સાયક્લોનિક સિસ્ટમ હાલ ઉત્તર તરફ ગતિ કરી રહી છે. હજુ આવતા ત્રણ દિવસ આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરશે અને ત્યારબાદ તે કઈ દિશામાં ફંટાશે તેને લઈને અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે હાલ તેના વિશે ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ છે. આ સાયક્લોનિક સિસ્ટમના સેન્ટરમાં 27 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે.

અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ સિસ્ટમની અસરથી 10 જૂનથી છૂટા છવાયા ઝાપટાની શરૂઆત થશે. આ સિસ્ટમ જેમ જેમ ઉત્તર તરફ નજીક આવશે તેમ પૂછડિયા વાદળો પસાર થવાનું શરૂ થશે. ચોમાસા વિશે અશોકભાઈ પટેલ વાત કરતા જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દક્ષિણ સમુદ્રના બાકીના ભાગો, મધ્ય દક્ષિણ તમિલનાડુના ભાગો, બંગાળની ખાડીના અમુક ભાગોમાં અને કેરલના લગભગ તમામ ભાગોમાં બેસી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *