ભારતે લંકા સામે 52 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ મોટું કારનામું કર્યું, આ રેકોર્ડે ક્રિકેટ જગતમાં મચાવ્યો ખળભળાટ, જાણો શું છે ?
ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે કેરલના તિરુવંતપુરમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકાને મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતે શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ આ મેચમાં ધૂમ મચાવી હતી. ભારતે આ મેચ દરમિયાન એક ઇતિહાસ પણ રચ્યો છે.
શ્રીલંકા સામેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ્ટ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 5 વિકેટે 390 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકન ટીમ બેટિંગ કરવામાં મેદાને ઉતરી હતી. પરંતુ શ્રીલંકાના બેટ્સમેનો એક પછી એક આઉટ થતાં સંપૂર્ણ ટીમ 22 ઓવરમાં 73 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતીય ટીમને 317 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમાં 13 ફોર અને 8 લાંબી સિક્સર ફટકારી હતી. આ સિવાય ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે પણ 116 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. જેમાં ગિલે 97 બોલમાં 14 ચોગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે આ મેચ દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું હતું. તેણે 10 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી.
શ્રીલંકા સામેની આ ફાઇનલ મેચમાં વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ભારતે આ મેચ દરમિયાન કરેલ મોટા કારનામા વિશે વાત કરીએ તો રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે શ્રીલંકાને 317 રનના મોટા માર્જીનથી હરાવીને વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી હતી.
વનડે ક્રિકેટના 52 વર્ષના ઇતિહાસમાં ભારતે લંકા સામે 317 રને ભવ્ય જીત મેળવીને મોટો રેકોર્ડ ભારતના નામે કર્યો છે. જેને કારણે હાલ આ રેકોર્ડથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે આ ભવ્ય જીત મેળવીને ન્યૂઝીલેન્ડની ટીમને આ બાબતે પાછળ છોડી છે. વનડે ફોર્મેટના ઈતિહાસમાં ભારતે રનના મામલે સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે વર્ષ 2008માં આયર્લેન્ડને વનડેમાં 290 રનના માર્જીનથી હરાવ્યું હતું. હવે ભારત આ યાદીમાં ટોચ પર પહોંચી ગયું છે.