ચેતેશ્વર પૂજારાએ પોતાના ટેસ્ટ કરિયરની 100મી મેચ પહેલા PM મોદી સાથે કરી ખાસ મુલાકાત, વડાપ્રધાને આશીર્વાદ આપતાં કહ્યું…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે આ સિરીઝની પ્રથમ મેચ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 132 રને શાનદાર જીત મેળવી હતી. આ જીત મળતાની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે આ સમગ્ર સીરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચવા માટે આ ટેસ્ટ સિરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે.

ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમવાની છે. જેને કારણે હાલ બંને ટીમો દિલ્હી ખાતે પહોંચી ચૂકી છે. બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને તેની પત્નીએ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાથે એક અનોખી મુલાકાત કરી છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા મેદાનમાં પગ મુકતાની સાથે જ ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય ક્રિકેટર બની જશે. ચેતેશ્વર પુજારાએ વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે એક આગવી ઓળખ બનાવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની શરૂ થતી બીજી મેચ દરમિયાન પોતાના ટેસ્ટ કરિયરની 100 ટેસ્ટ મેચો પૂર્ણ થશે. જેને જોવા માટે તેનો આખો પરિવાર સ્ટેડિયમમાં હાજર રહેવાનો છે. આ મેચ શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખાસ આશીર્વાદ પણ લીધા છે. જેની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

35 વર્ષીય ચેતેશ્વર પુજારાએ કહ્યું છે કે હજુ તેણે નિવૃત્તિની તારીખ જાહેર કરી નથી. તે હજુ પણ દેશ માટે મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બીજી ટેસ્ટ મેચ પહેલા પ્રધાનમંત્રી સાથેની ખાસ મુલાકાત ની કેટલીક તસ્વીરો પૂજારાએ ટ્વિટર પર શેર કરી છે અને તેના કેપ્શન માં લખ્યું છે કે “આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળવું એ એક સન્માનની વાત છે. હું મારી 100મી ટેસ્ટ મેચ પહેલા તમારા તરફથી મળેલ આશીર્વાદ અને પ્રોત્સાહનની વાતની હું કદર કરીશ”.

પુજારાએ કરેલ ટ્વીટના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે “આજે પૂજા અને તમને મળીને આનંદ થયો. તમારી 100મી ટેસ્ટ અને તમારી કારકિર્દી ચેતેશ્વર પૂજારા માટે શુભકામનાઓ.” જુઓ તસ્વીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *